On this web page, I provide a brief description of my recent research in Gujarati language.

1) Research Paper "Banking regulatory constraints and personal bankruptcy filings in the US":

બેંકોની શાખા વિસ્તરીકરણ એ સમાજપયોગી છે. ઘરની નજીક બેંકની શાખા હોવાથી પૈસા જમા કરાવવા અને ઉપાડવાની સુવિધા ઉપરાંત બેંકની બીજી સેવાઓ નો લાભ થાય છે. જેમ કે, ગ્રાહક પોતાનું ઘર ખરીદવા માટે બેંક પાસેથી લોન મેળવી શકે છે. લોન દ્રારા ઘર લેવાનો મુખ્ય ફાયદો એ છે કે, જુવાન દંપતી સારી રીતે પોતાના સંતાનો નો ઉછેર કરી શકે, લોન માટે નાં હપ્તા ભવિષ્યની આવક માંથી લાંબા સમય ગાળા (15 થી 30 વર્ષ) માં ચૂકવી શકે, અને ઘર નિવૃત્તીનાં સમયમાં નાણાંની સહાય કરી શકે. તદઉપરાંત, ગ્રાહક જીવન-જરૂરીઆતની સાધનસામગ્રી કે સેવાઓ, જેમકે દ્વિચક્રી વાહન, ગાડી, ટીવી, પર્યટન વિગેરે, માટે પણ બેંકલોન લઇ શકે છે.

પરિવારની વિકટ આર્થિક પરિસ્થિતિ સમયસર હપ્તા ચૂકવવામાં વિલંબ કરી શકે છે. અમુક વિપરીત સંજોગો જેવાકે, શારીરીક બિમારી, નોકરી ગુમાવવી, ધંધામાં નુક્સાન, છૂટાછેડા વિગેરે, કુટુંબને માનસિક તેમજ આર્થિક તકલીફમાં મૂકી શકે છે. આવા સમયમાં, જો વ્યક્તિગત રીતે કાનૂની પધ્ધતિ દ્રારા નાદારી નોંધાવીને ઘર અને પરિવારની ખુશી મહદ્ અંશે બચાવી શકાય, તો તે કલ્યાણકારી ગણાય. “કોઇનું દુર્ભાગ્યે દેવાળું થયું હોય, એટલે તેનું કુટુંબ કદી દિવાળી ન મનાવી શકે” તે વ્યાજબી નથી.

ઘરેલું લોન ને મુખ્યત્વે બે વર્ગમાં વહેંચી શકાય – સલામત (જેવીકે ઘર કે ગાડી માટેની લોન) અને બિનસલામત (જેવીકે ક્રેડિટ કાર્ડ લોન કે હોસ્પિટલ ખર્ચ પર લોન). મુખ્ય તફાવત એ છે કે, નાણાં ધિરનાર (લેણદાર બેંક) સલામત લોન દ્વારા ખરીદેલ સંપત્તિ જપ્ત કરી શકે છે, જો ગ્રાહક હપ્તા ન ચૂકવે તો.

અમેરીકામાં દેવાદાર નાદારી નોંધાવીને બિનસલામત ઋણમાં રાહત મેળવે છે. તેઓ બે પ્રકારે નાદારી નોંધાવી શકે છે. પ્રકરણ 7 નાદારીમાં ન્યાયાધીશ દેવાદારને પોતાની ખાનગી મિલકત (સાધનસામગ્રી જેવા કે ઘરેણાં, ઘરનું રાચરચીલું, ઓજારો, વિગેરે), અમુક અપવાદ રકમ બાદ કરતાં, વેચીને બિનસલામત ઋણ ચૂકવવાની ફરજ પાડે છે. દરેક રાજ્યોને કેટલી રકમ અપવાદ તરીકે દરવર્ષે રાખવાની સત્તા નાદારી કાયદો આપે છે. જો દેવાદાર ઘરનો માલિક હોય અને જો ઘરની બજારકિંમત ઘરની લોન અને રાજ્ય સરકારે નક્કી કરેલ અપવાદ રકમ કરતાં વધારે હોય તો, ઘર વેચીને બિનસલામત ઋણ ચૂકવવાની ફરજ પડે છે.  પ્રકરણ 7 પ્રકારે નાદારી નોંધાવવાથી દેવાદારને પોતાની ભવિષ્યની આવકમાંથી ઋણ ભરપાઇ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે, પ્રકરણ 13 દ્રારા નાદારી નોંધાવવાથી, દેવાદારને પોતાની ખાનગી મિલકત (ઘર પણ) વેચવાની જરૂર રહેતી નથી, પરંતુ પોતાની ભવિષ્યની આવકમાંથી ઋણ ચૂકવવું પડે છે. આ ભવિષ્યનો ગાળો 3 થી 5 વર્ષનો હોય છે. દર વર્ષે સરેરાશ, 70 ટકા નાદારી નોંધણી પ્રકરણ 7 દ્રારા થાય છે. દેવાદારો પોતાનું ઘર નિલામી થતાં રોકવાનું મુખ્ય કારણ, પ્રકરણ 13 દ્વારા નાદારી નોંધવાનું આપે છે.

આ ઉપરાંત, અમેરીકામાં માત્ર 12 રાજ્યોએ બેંકોને આંતરરાજ્ય (રાજ્યની સીમા અંદર) જ્યાં શાખા ખોલવી હોય તેની છૂટ 1980 પૂર્વે આપેલ હતી. 1980 થી 1994 ની વચ્ચે બાકીના 38 રાજ્યોએ ધીરે ધીરે આંતરરાજ્ય શાખા ખોલવા પર નો પ્રતિબંધ હટાવી લીધો. આ બેંકીગક્ષેત્ર કાયદાકીય ફેરફાર (સુધારા) થી, અવલોકન-આધારિત સંશોધકોને ઘરેલું ક્રેડિટ મળવાની અનુકૂળતાથી થતી આર્થિક અસરો પર શોધકાર્ય કરવા માટે થોડીઘણી-કુદરતી પ્રયોગશાળા ઉપલબ્ધ થઇ ગઇ.

ઉપર જણાવેલ માહિતી મુજબ, આ પ્રમાણે તર્ક રચી શકાય. બેંકોને શાખા ખોલવાની મંજૂરી મળવાથી, ઘરેલું  લોનની રકમમાં વધારો થાય. તે સાથે, ઉધાર સમયસર ન ચૂકવવાની સંખ્યામાં પણ વધારો થઇ શકે.  જો દેવાદાર ઘર ધરાવતો હોય તો, પ્રકરણ 13 ની સંખ્યામાં વધારો જોવા મળી શકે.

આ સંશોધનપત્ર અમેરિકાનાં કાઉન્ટી અવલોકનોના આધારે દર્શાવે છે કે, બેંકોની વધારે શાખા ખોલવાથી, ઘર માટેની લોન માં અને પ્રકરણ 13 ની સંખ્યામાં વધારો થયો. તદ ઉપરાંત, એમ પણ નિર્દેશ થયો કે, આર્થિક તકલીફમાં મૂકાયેલ પરિવારો ઘર બચાવવા માટે  પ્રકરણ 13, નહીં કે પ્રકરણ 7, નાદારી નો ઊપયોગ કરે છે.

2) Research Paper "Size of financing need and the choice between asset sales and security issuances":

પેઢી પાસે રોકાણ ની તક છે, પરંતુ જરૂરી નાણા ની તંગી છે. તે સંદર્ભે, પેઢી પાસે બે વિકલ્પો છે. એક, તે બજાર માં નાણાકીય વાયદા-પત્રો, જેમકે ઋણ પત્ર અને હિસ્સો આપતો પત્ર, વેચીને જરૂરી ભંડોળ એકત્રિત કરી શકે છે. બીજો, પેઢી પોતાની બિનજરૂરી સાધનસામગ્રી કોઈ ગ્રાહક ને ખાનગી સોદા દ્વારા વેચી શકે છે, અને જોઈતા નાણાનો ઉછેર કરી શકે છે. કયા પરિબળો પેઢીના સંચાલકને સાચો વિકલ્પ પસંદ કરવામાં મદદરૂપ નીવડે? એક પરિબળ છે -- જરૂરી નાણાની રકમ.

‘હિસાબ પોથી અસર’ નું અનુમાન છે કે, જો નાણાની જરૂરીઆત રકમ ઓછી હોય તો સાધનો વેચવા જોઈએ, અને જો વધારે રકમની જરૂરીઆત હોય તો નાણાકીય વાયદા-પત્રો વેચવાના. આ તર્ક માટે ની આર્થિક દલીલ આ પ્રમાણે છે. વેચનાર (પેઢી) પાસે વસ્તુ (સાધનસામગ્રી કે નાણાકીય વાયદા-પત્ર) ની સાચી કિમત ની માહિતી ખરીદનાર કરતાં વધારે હોય છે. જેટલી વધુ માહિતી ની અસમાનતા, તેટલો વધારે કપાત ખરીદનાર ઇચ્છે. વેચનાર ને આ હકીકત ખબર છે, તેથી તે જે ચીજ ની માહિતી-અસમાનતા ઓછી હોય તે વેચવાનું પસંદ કરશે. જ્યારે નાણાની જરૂરીઆત રકમ ઓછી હોય, ત્યારે સાધનસામગ્રી ની કિમત ની માહિતી-અસમાનતા નાણાકીય વાયદા-પત્ર ની કરતાં ઓછી હોય છે. નાણાની જરૂરીઆત રકમમાં વધારો ક્રમશઃ વાયદા-પત્ર ની  માહિતી-અસમાનતા માં ઘટાડો કરે છે. કેમ? સાધનસામગ્રી ખરીદનાર નો માત્ર ખરીદેલા સાધન પર જ અધિકાર હોય છે. પરંતુ નાણાકીય વાયદા-પત્ર ના રોકાણકારનો તો પેઢી ની સંપૂર્ણ અસ્કયામત (મિલકત) પર અધિકાર સ્થાપિત હોય છે.  

આ વિચાર પર અવલોકન આધારિત સંશોધન શું કહે છે? તે જાણવા માટે વાંચો, આ સંશોધન-પરિપત્ર.

આકૃતિ-૧ અને આકૃતિ-૩ પરિપત્ર ના મુખ્ય પરિણામો સંક્ષેપ્ત માં દર્શાવે છે.